બજેટ સત્ર ૨૦૨૬માં આજે લોકસભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષી સભ્યોના સતત વિરોધ અને હોબાળાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિર્ધારિત સંબોધન રદ થઈ ગયું છે. સ્પીકર ઓમ બિરલાએ સાંજે ૫ વાગ્યે ગૃહને આવતીકાલ સુધી એટલે કે ૫ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું. આ સાથે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચાના સમાપનમાં પીએમ મોદીનો જવાબ આજે નહીં આવી શક્યો.
બજેટ સત્રના આ દિવસે લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. સવારથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. પ્રશ્નોત્તર કાળ દરમિયાન વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને ઘણી વખત ગૃહ સ્થગિત કરવું પડ્યું. મુખ્ય વિવાદ પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક (મેમોયર) પર આધારિત રાહુલ ગાંધીના નિવેદનને લઈને થયો હતો. રાહુલ ગાંધીએ ૨૦૨૦ના ભારત-ચીન સરહદ વિવાદ અંગેના દાવાઓનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધમાં સરકારી બેન્ચ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે, “વિપક્ષે મહિલા સાંસદોને આગળ મૂકીને લડાઈ શરૂ કરવાની યોજના બનાવી હતી. તેઓ પીએમને ઘેરી લેવા માંગતા હતા.” આ કારણે સ્પીકરે તાત્કાલિક ગૃહ સ્થગિત કરી દીધું. વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “પીએમ મોદી ડરી ગયા છે. રેલવે મંત્રી અને નિશિકાંત બુલેટ ટ્રેનની જેમ ભાગ્યા.” મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ સરકાર પર આક્રમણ કર્યું અને મણિપુર સમસ્યા, ભારત-યુએસ વેપાર કરાર જેવા મુદ્દાઓ ઉઠાવ્યા.
આ ઘટનાએ સંસદની કાર્યવાહીને ફરી એક વખત અટકાવી દીધી છે. બજેટ સત્રમાં મહત્વના બિલો અને ચર્ચાઓ પેન્ડિંગ છે. વિપક્ષ દાવો કરે છે કે સરકાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે, જ્યારે ભાજપ કહે છે કે વિપક્ષ જાણીજોઈને અવરોધ ઊભો કરી રહ્યો છે. આજની ઘટના સંસદીય પરંપરાઓ અને ચર્ચાના મહત્વને લઈને નવા વિવાદોને જન્મ આપી શકે છે.
આવતીકાલે ગૃહ ફરી શરૂ થશે ત્યારે પીએમ મોદીનું સંબોધન થઈ શકે છે કે કેમ તે જોવાનું રહેશે. સંસદીય કાર્યવાહીમાં આવા હંગામા લોકશાહીની છબીને અસર કરે છે અને જનતા આશા રાખે છે કે બંને પક્ષો વધુ જવાબદારીભર્યું વર્તન અપનાવશે.
