ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત એક ઐતિહાસિક વળાંક છે. તેઓ 36 વર્ષથી વધુ સમયથી ઈરાનના સર્વોચ્ચ નેતા હતા અને અમેરિકા તથા ઈઝરાયેલ વિરુદ્ધની આક્રમક નીતિ માટે જાણીતા હતા. અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે (28 ફેબ્રુઆરી 2026) ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા હતા, જેમાં તેઓના ન્યુક્લિયર પ્રોગ્રામ, મિસાઈલ સાઈટ્સ અને સૈન્ય કમાન્ડને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ખામેનેઈ તેમના ઓફિસમાં માર્યા ગયા હોવાનું ઈરાની સ્ટેટ મીડિયાએ પુષ્ટિ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને ‘અપ્રતિમ કાર્યવાહી’ ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો ઈરાન વધુ પલટવાર કરશે તો ‘અભૂતપૂર્વ બળનો’ ઉપયોગ કરવામાં આવશે.
આ હુમલા બાદ ઈરાને તરત જ પ્રતિસાદ આપ્યો છે. ઈરાની રેઝોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ બહેરીન, કુવૈત, કતાર, યુએઈ અને જોર્ડનમાં અમેરિકી બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આમાં અલ ઉદેઈદ એરબેઝ (કતાર), અલ ધફરા (યુએઈ), યુએસ ફિફ્થ ફ્લીટ (બહેરીન) જેવા મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને આને ‘અમેરિકી-ઈઝરાયેલી આક્રમણનો જવાબ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ચાલુ રહેશે જ્યાં સુધી દુશ્મનને હરાવી ન દેવાય.
ઈરાક અને કુર્દિસ્તાનમાં અમેરિકી બેઝ પર મિલિશિયા હુમલા
ઈરાન સમર્થિત ઈરાકી મિલિશિયા જૂથોએ પણ સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં અરબીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલા અમેરિકી બેઝ પર ડ્રોન અને રોકેટ હુમલા કરવામાં આવ્યા છે. સરાયા અવલિયા અલ-દમ જેવા જૂથોએ આ હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે આ ‘ઈરાન વિરુદ્ધ ઝિયોનિસ્ટ-અમેરિકી આક્રમણના જવાબમાં’ કરવામાં આવ્યા છે. અરબીલમાં ધુમાડો અને વિસ્ફોટોના અહેવાલો મળ્યા છે, જ્યાં અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે મોટા ભાગના હુમલાઓને રોક્યા છે, પરંતુ કેટલાક મિસાઈલ શહેરની બહાર પડ્યા છે.
આ મિલિશિયા જૂથોમાં કતાઈબ હિઝબુલ્લાહ, હરકત હિઝબુલ્લાહ અલ-નુજબા અને અન્ય ‘ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઈન ઈરાક’ના સભ્યો સામેલ છે. તેઓએ પહેલેથી જ ઈરાન પર હુમલા થાય તો અમેરિકી બેઝને નિશાન બનાવવાની યોજના બનાવી રાખી હતી. આ હુમલાઓએ ઈરાકને નવા યુદ્ધના ક્ષેત્રમાં ફેરવી દીધું છે, જ્યાં અમેરિકી સૈનિકોની હાજરી હજુ પણ છે.
હુથી અને હિઝબુલ્લાહની ધમકીઓ અને સંભવિત હુમલા
ઈરાનના ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ના અન્ય સભ્યો પણ સક્રિય થઈ રહ્યા છે. યમનના હુથી વિદ્રોહીઓ અને લેબનોનના હિઝબુલ્લાહે ખામેનેઈના મોતની નિંદા કરી છે અને અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની ધમકી આપી છે. હુથીઓએ રેડ સીમાં અમેરિકી જહાજોને નિશાન બનાવવાની તૈયારી દર્શાવી છે, જ્યારે હિઝબુલ્લાહે કહ્યું છે કે ખામેનેઈ પર હુમલો તેમની ‘રેડ લાઈન’ છે અને તેઓ પ્રતિસાદ આપશે. આ જૂથોએ હજુ સુધી મોટા હુમલા નથી કર્યા, પરંતુ તેઓની તૈયારી અને ધમકીઓથી વિસ્તારમાં ભયનું વાતાવરણ છે.
મહાયુદ્ધની ધમકી અને પ્રાદેશિક અસર
ઈરાન સમર્થિત મિલિશિયાઓએ ‘મહાયુદ્ધ’ છેડવાની જાહેરમાં ધમકી આપી છે. તેઓ કહે છે કે અમેરિકી હિતો અને તેમના સાથીઓને લક્ષ્ય બનાવવામાં આવશે. આ સ્થિતિમાં તેલના ભાવમાં વધારો, સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં અવરોધ અને વિસ્તારના અન્ય દેશોમાં અસ્થિરતા વધી શકે છે. ઈરાનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને અંતરિમ નેતૃત્વની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ સંઘર્ષની અસર વૈશ્વિક સ્તરે પડી રહી છે. તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને અંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે. અમેરિકા અને ઈઝરાયેલે કહ્યું છે કે તેઓ ઈરાનના ન્યુક્લિયર અને મિસાઈલ ક્ષમતાને નબળી પાડવા માગે છે, જ્યારે ઈરાન તેને ‘આક્રમણ’ ગણાવે છે.
