ભારત આ વખતે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત ઐતિહાસિક અને ખાસ રીતે ઉજવવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન 25થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની રાજ્ય મુલાકાતે આવશે અને 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાનારા 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસનું થીમ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરને કેન્દ્રમાં રાખીને ઉજવવામાં આવશે. આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક છે અને તેના 150 વર્ષ પૂર્ણ થવા પર વિવિધ રાજ્યો અને વિભાગોના ટેબ્લોમાં આ થીમને હાઈલાઈટ કરવામાં આવશે. આ વખતે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન યુનિયનના બે ટોચના નેતાઓને એકસાથે આમંત્રણ આપવું એ ભારત અને ઇયુ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં નવી ઊંચાઈ દર્શાવે છે. આ પહેલી વખત છે જ્યારે યુરોપિયન યુનિયનના પ્રમુખ અને કમિશનના પ્રમુખ બંને એકસાથે ભારતના પ્રજાસત્તાક દિવસમાં મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર આ બંને નેતાઓ ભારત આવી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પીએમ મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. 27 જાન્યુઆરીએ બંને નેતાઓ 16મા ભારત-ઇયુ સમિટની સહ અધ્યક્ષતા કરશે, જેમાં બંને પક્ષો વચ્ચે વેપાર, ટેક્નોલોજી, સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થશે. આ સમિટ દરમિયાન ભારત-ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને અંતિમ સ્વરૂપ આપવાની શક્યતા છે, જે બંને પક્ષો માટે આર્થિક રીતે ખૂબ મહત્વનું છે.
એન્ટોનિયો કોસ્ટા પોર્ટુગલના પૂર્વ વડાપ્રધાન છે અને 2024થી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ યુરોપિયન યુનિયનની બાહ્ય નીતિ અને વ્યૂહાત્મક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ ઉર્સુલા વોન ડેર લેયેન જર્મનીની રાજકારણી છે અને 2019થી યુરોપિયન કમિશનના પ્રમુખ છે. તેઓ ઇયુની નીતિઓ, અર્થતંત્ર અને વેપારને આગળ વધારવામાં અગ્રેસર છે. બંને નેતાઓની આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં આ વખતે ભારતીય સેનાના વિવિધ રેજિમેન્ટ્સ, સાંસ્કૃતિક પ્રદર્શન અને રાજ્યોના ટેબ્લોમાં ‘વંદે માતરમ’ની થીમને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરમાં 19થી 25 જાન્યુઆરી દરમિયાન સૈન્ય બેન્ડ પ્રદર્શનો યોજાશે, જેમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પણ વિશેષ કાર્યક્રમ રહેશે. આ બધું રાષ્ટ્રીય એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરશે.
આ મુલાકાત અને મુખ્ય અતિથિની પસંદગી ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને યુરોપિયન યુનિયન સાથેના વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે. છેલ્લા વર્ષોમાં ભારત અને ઇયુ વચ્ચે વેપાર, રક્ષા, ટેક્નોલોજી અને જળવાયુ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે. આ વર્ષેનો પ્રજાસત્તાક દિવસ માત્ર રાષ્ટ્રીય ઉત્સવ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી તાકાતનું પ્રતીક બની રહેશે.
