રોડ પર સુરક્ષા વધારવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે જો કોઈ ડ્રાઇવર એક વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. આ ફેરફારનો હેતુ બારંબાર નિયમ તોડનારા ‘હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ’ને રોકવાનો અને રોડ અકસ્માતો ઘટાડવાનો છે.
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રી દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં કરાયેલા આ સુધારા અનુસાર, એક વર્ષની અંદર 5 કે વધુ ટ્રાફિક ઉલ્લંઘનો પર લાઇસન્સિંગ ઓથોરિટી (RTO અથવા ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકાય છે. સસ્પેન્શનનો સમયગાળો સામાન્ય રીતે 3 મહિનાનો હોઈ શકે છે, પરંતુ આ નિર્ણય કેસ પ્રમાણે લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ પગલું લેતા પહેલા ડ્રાઇવરને સુનાવણીની તક આપવામાં આવશે.
કયા નિયમોનું ઉલ્લંઘન ગણાશે? આ નવા નિયમ હેઠળ 24 જેટલા ટ્રાફિક અપરાધોને ગણવામાં આવે છે. જેમાંથી કેટલાક મુખ્ય છે:
- સ્પીડ લિમિટ તોડવી (ઓવર સ્પીડિંગ)
- હેલ્મેટ વગર બાઇક ચલાવવી
- સીટબેલ્ટ ન પહેરવી
- રેડ લાઇટ જમ્પ કરવી
- ગેરકાયદેસર પાર્કિંગ
- ઓવરલોડિંગ
- મોબાઇલ વાપરતા ડ્રાઇવિંગ
- અન્ય ગંભીર અપરાધો જેમ કે વાહન ચોરી, પેસેન્જર સાથે હિંસા વગેરે
આમાંથી નાના-મોટા કોઈ પણ 5 ઉલ્લંઘનો એક વર્ષમાં થાય તો લાઇસન્સ પર કાર્યવાહી થઈ શકે છે. અગાઉ લાઇસન્સ સસ્પેન્ડ માત્ર ગંભીર અપરાધોમાં જ થતું હતું, પરંતુ હવે નાના ઉલ્લંઘનોના પુનરાવર્તન પણ ગંભીર ગણાશે.
ગુજરાતમાં પણ અમલ થશે ગુજરાતમાં પણ આ કેન્દ્રીય નિયમ અમલમાં આવશે. રાજ્યમાં દર વર્ષે હજારો રોડ અકસ્માતો થાય છે, જેમાં મોટા ભાગના કારણો બેદરકાર ડ્રાઇવિંગ, સ્પીડિંગ, હેલ્મેટ-સીટબેલ્ટ ન પહેરવા જેવા છે. ગુજરાત ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ આ નિયમને કડકાઈથી અમલ કરવા તૈયાર છે. ઇ-ચલણ સિસ્ટમ દ્વારા રેકોર્ડ થતા દરેક ઉલ્લંઘનને ટ્રેક કરવામાં આવશે અને એક વર્ષની અંદર 5 પહોંચે તો આપમેળે નોટિસ જતી થશે.
શું કરવું જોઈએ ડ્રાઇવરોએ?
- હંમેશા હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરો
- સ્પીડ લિમિટનું પાલન કરો
- રેડ સિગ્નલ અને ટ્રાફિક નિયમોનું સખતપણે પાલન કરો
- મોબાઇલ વાપર્યા વગર ડ્રાઇવ કરો
- પોતાના લાઇસન્સના ચલણોની સ્થિતિ Sarathi પોર્ટલ પર ચેક કરતા રહો
આ નિયમથી રોડ પર શિસ્ત આવશે અને અકસ્માતોમાં ઘટાડો થશે એવી આશા છે. નિષ્ણાતો માને છે કે આ પગલું રોડ સેફ્ટી માટે ગેમ ચેન્જર સાબિત થશે. જો તમે પણ ડ્રાઇવર છો તો આ નિયમને ગંભીરતાથી લો અને નિયમોનું પાલન કરીને સુરક્ષિત રહો.
