સેવન્થ ડે સ્કૂલ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું વધુ એક કારસ્તાનનો પર્દાફાશ

સેવન્થ ડે સ્કૂલમાં ફરી છેતરપિંડીનો ખુલાસો: 2400 બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, 5 કરોડથી વધુની આર્થિક છેતરપિંડી

ખોખરા-મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ છેલ્લા થોડા સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી છે. ઓગસ્ટ 2025માં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ સરકારે સ્કૂલનું સંચાલન પોતાના હસ્તક લીધું હતું, ત્યારે પણ આ સંસ્થા વારંવાર ચર્ચામાં આવી રહી છે. હવે તાજેતરમાં ફરી એક મોટા કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં આર્થિક છેતરપિંડી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવાના આરોપો સામે આવ્યા છે.

સરકાર હસ્તક હોવા છતાં ચાલુ છે અનિયમિતતા

સેવન્થ ડે સ્કૂલ સ્કૂલમાં ઓગસ્ટ 2025માં ધોરણ 10ના એક હિંદુ વિદ્યાર્થીની ધોરણ 8ના મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા છરીથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. હત્યા બાદ સ્કૂલ વહીવટ પર બેદરકારી, વિદ્યાર્થીઓની સુરક્ષામાં ખામી અને અન્ય અનિયમિતતાઓના આરોપો લાગ્યા હતા. ગુજરાત સરકારે ડિસેમ્બર 2025માં સ્કૂલનું સંચાલન DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) હસ્તક સોંપી દીધું હતું અને નવા પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં પણ સ્કૂલમાંથી હિંસા અને અનિયમિતતાના અહેવાલો આવતા રહ્યા છે.

ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં જ ધોરણ 7ના એક વિદ્યાર્થી (જે ક્લાસ મોનિટર હતો) પર ત્રણ સાથી વિદ્યાર્થીઓએ બાથરૂમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બ્લેડનો ઉપયોગ થયો હોવાની શંકા છે અને પીડિત વિદ્યાર્થીના શર્ટના બટન તોડી નાખવામાં આવ્યા હતા. ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને DEOએ પણ સ્કૂલ પ્રિન્સિપાલને નોટિસ જારી કરી છે. આ ઘટના બાદ NSUI કાર્યકર્તાઓએ સ્કૂલને તાળાબંધી કરી વિરોધ પણ કર્યો હતો.

તાજેતરનો સૌથી મોટો ખુલાસો: RTE હેઠળ છેતરપિંડીનો આરોપ

હવે સૌથી નવી અને ગંભીર બાબત સામે આવી છે. સેવન્થ ડે સ્કૂલ પર આરોપ છે કે તેણે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ક્વોટા હેઠળ ગરીબ અને લઘુમતી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના નામે મોટા પાયે આર્થિક છેતરપિંડી કરી છે. અહેવાલ મુજબ, સ્કૂલે અંદાજે 2400 બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે અને 5 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલો માઈનોરિટી સ્ટેટસના નામે કરોડોની ગેરકાયદેસર કમાણી સાથે જોડાયેલો છે.

સ્કૂલના અગાઉના વહીવટ પર પણ આરોપો હતા કે તેઓએ ધર્માંતરણના પ્રયાસો કર્યા, મોરલ સાયન્સના નામે ખ્રિસ્તી ધર્મનું પ્રચાર કર્યું અને અન્ય અનિયમિતતાઓ આચરી. 2016માં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના અને 2024માં અનધિકૃત ટ્રિપ જેવા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

વાલીઓ અને સમાજમાં આક્રોશ

આ તમામ ઘટનાઓ બાદ વાલીઓમાં ભારે આક્રોશ છે. ઘણા વાલીઓ પોતાના બાળકોને આવી સ્કૂલ(સેવન્થ ડે સ્કૂલ)માં મોકલવા માગતા નથી. ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો છે, જ્યાં કોર્ટે સેવન્થ ડે સ્કૂલ વહીવટને ઝાટકણી કાઢીને કહ્યું કે “જે શાળા પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખી શકતી નથી, તેને સંચાલન કેવી રીતે સોંપી શકાય?”

સ્કૂલ વહીવટ આ આરોપોને નકારે છે અને કહે છે કે તેઓ કાયદા મુજબ કાર્ય કરે છે, પરંતુ સતત ઘટનાઓ આ વાતને નકારી કાઢે છે. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે અને શિક્ષણ વિભાગ પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *